• VNM TV

હાથીનું આગમન 'ને કુતરાનું મોત ! By Dilip Kumar N Mehta

Updated: Mar 4


તમે જો ડોનાલ્ડ ટ્રંપ ની રાજકીય સફર તરફ એક નજર ફેરવો તો માથું ખંજવાળતા રહી જાવ એવું છે , પરંતુ , સરવાળે એવું લાગ્યું કે એ રિપબ્લિકન પાર્ટી ના છે , અને એ પાર્ટીનું પ્રતિક હાથી છે ! ખેર, આજે આપણે હાથીની વાત માં જોડે જોડે ગાય , ગધેડા 'ને કૂતરાની પણ જરાક વાત કરવી પડે તેમ છે ! વાત એમ છે કે 2015માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિત માં હાજરી આપવા યુએસ ના સેક્રેટરી જોન કેરી ( John Kerry ) પધારેલા . હવે ઉદ્દઘાટન સમારોહ પૂર્ણ કરીને તેઓ વળતી મુસાફરી માટે સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ( SVP Airport ) તરફ જઈ રહ્યા હતા ત્યારે એની કાર ને એસકોર્ટ કરી રહેલ કાફલાને એક રખડતું કૂતરું નડયું ! બે -ચાર મિનિટ જરાક રૂકાવટ થઈ , પરંતુ ,ત્યાં સુધીમાં તો આપણાં નાકની દાંડી પર એક મિલિમિટર( 1mm) નો લસરકો તો પડી જ ગયો !

હવે આ વખતે આખે આખું નાક intact રાખવા માટે મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે અને શેરીના કુતરાઓને ક્યાંક ઊંઘાડવા માટે કે પછી બે ચાર દિ' માટે થાળે પાડવામાં કામે લાગ્યું છે ! કુતરાઓ તો ઠીક , પરંતુ , મોટેરા નજીક કોટેશ્વર , ભાટ અને આસપાસ ના બીજા ગામડાઓમાં નીલ ગાય પણ ક્યાંક આવ -જા કરતી જોવા મળે છે .નીલગાય ને પણ રોકવા માટે વન વિભાગ રાત -દિ મહેનત કરી રહ્યો છે ! એનિમલ વેલ્ફેર બોર્ડ ને સુપ્રીમ કોર્ટ ની સ્પષ્ટ ગાઈડ લાઇન છે જ કે " જે સ્થળેથી કુતરાઓ ને કોઈ કારણસર ખસેડીને ,વિસ્થાપિત કરીને બીજે લઈ જવામાં આવે તો વહેલી તકે એને ફરી એની એ જ જગ્યા એ ફરજિયાત છોડી મૂકવા " અધિકારીઓ દ્વારા હવે સાબરમતી વિસ્તારની સોસાયટીઓ નો સંપર્ક કરવામાં આવશે . કુતરાઓને ત્યાથી ઊંચકીને યોગ્ય સ્થળે રાખવામા આવશે પરંતુ , ત્યારબાદ એ બધા કુતરાઓને ફરી એના એજ સ્થળે મૂકવામાં આવશે કે કેમ એ તો તંત્ર જાણે ! Poor dogs !

અમદાવાદ એરપોર્ટ નજીક કુતરાઓ ને પૂરતો ખોરાક મળી રહે છે ! પ્લેન માથી સીધા જ બહાર આવીને નાસ્તાના પડીકાઓ ફેંકતા આપણાં ગુજરાતી મુસાફરોને મે પણ જોયેલા છે !We, The People !!!! ખેર, ખોરડાની ખાનદાની માટે આ બધુ કરવું ઘટે હો !

- Dilip Kumar N Mehta