• VNM TV

"પેઈન ઈઝ માઈ ડેસ્ટની, એન્ડ આઈ કેન નોટ અવોઈડ ઇટ" By Raj Goswami

, હોલીવુડની તર્જ પર, મનોવૈજ્ઞાનિક ફિલ્મો ઓછી બની છે. જે બની છે, તે ભૂત-પ્રેત અને ડ્રામાબાજી-તમાશાથી ભરપુર મસાલા ફિલ્મો છે, પણ જેને ‘શુદ્ધ’ રીતે માનસિક ગ્રંથીઓવાળી ફિલ્મ કહેવાય, જે વ્યક્તિ અને તેની આજુબાજુના જીવનને પ્રભાવિત કરે, તેવી બહુ ઓછી છે. અમિતાભ બચ્ચન-યશ ચોપરાની ‘કાલા પથ્થર’ (૧૯૭૯) આવી જ એક અન્ડર-રેટેડ ફિલ્મ છે.‘કાલા પથ્થર’માં અમિતાભના વિજયનો એક અંગ્રેજી સંવાદ છે; પેઈન ઈઝ માઈ ડેસ્ટની એન્ડ આઈ કેન નોટ અવોઈડ ઇટ (પીડા એ મારું નસીબ છે, અને હું ટાળી નથી શકતો). વિજય એક કેપ્ટન છે, અને એક ડૂબતા જહાજમાં પ્રવાસીઓને બચાવવાને બદલે ખુદ પાણીમાં કુદીને જીવ બચાવી લે છે. તેને કોર્ટ-માર્શલ કરવામાં આવે છે, તેના સ્ટાર્સ છીનવી લેવામાં આવે છે, લોકો તેને ધક્કે ચઢાવે છે, હુરીઓ બોલાવે છે. તેના માતા-પિતા તેને ત્યજી દે છે.

વિજય પર આ અપમાનની એટલી અસર થાય છે કે તે ઘર છોડેને રખડતો-ભટકતો કોલસાની ખાણમાં ગુમનામ જિંદગી ગુજારે છે, જ્યાં તે અવારનવાર ઊંઘમાં ઝબકીની જાગી જાય છે, અને અપરાધની પીડામાં જોરથી ચીસ પાડે છે. મુસાફરોને નહીં બચાવી શકવાના આ અપરાધબોધમાં તે ખાણ-કામદારોની જિંદગી બચાવવા માટે ખુદને પીડામાં ધકેલી દે છે (પેઈન ઈઝ માઈ ડેસ્ટની એન્ડ આઈ કેન નોટ અવોઈડ ઇટ), અને જયારે પણ દુર્ઘટનાની સાઈરન વાગે, ત્યારે અંધારી ખાણ ઉતરવાવાળો વિજય પહેલો હોય છે.


‘કાલા પથ્થર’ સૌથી મોટી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. બધાએ અત્યંત ખુબસુરત અભિનય કર્યો હતો. શત્રુઘ્ન સિંહા (જેને અસલી જીવનમાં પણ અમિતાભ સામે બહુ વાંધા હતા), તેણે વિજય પાલ સિંહના હરિફ મંગલ સિંહ (એ પણ તેના ભૂતકાળથી પીછો છોડાવતો એક શેરદિલ ઇન્સાન છે) તરીકે એટલા જ જોશથી ટક્કર આપી હતી. એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું, “ (અમારી વચ્ચેથી) બધી સાહજિકતા જતી રહી હતી. અમને એટલી જ ખબર હતી કે કોણે કોને કેટલા મુક્કા મારવાના છે. મને લાગે છે કે, અમારી દોસ્તીના કોફીન પર ‘કાલા પથ્થરે’ છેલ્લો ખીલો ઠોકયો હતો. હું આ ફિલ્મ કરું તે સામે તેને વાંધો હતો, અને હું તેની ઈચ્છા વિરુદ્ધ એ ફિલ્મમાં હતો.


પોતાના અવાજ અને ડાયલોગ-ડિલીવરી માટે જાણીતો અમિતાભ ચુપ રહીને પણ કેવી રીતે અંદરનો લાવા ઉકળતો બતાવી શકે, તેનું ‘કાલા પથ્થર’ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમિતાભે પોતે ફિલ્મોમાં આવતાં પહેલાં, કલકત્તાની બર્ડ એન્ડ કંપનીના ખાણ વિભાગમાં નોકરી કરી હતી, અને (આજના જારખંડમાં) ખાણપ્રદેશમાં જઈને ત્યાંની પ્રક્રિયા શીખ્યો હતો. ‘કાલા પથ્થર’ બનતી હતી, ત્યારે અમિતાભે ઘણા ઇન-પુટ્સ આપ્યા હતા. તેનાથી ખાણ મજદૂરો કેવી દયનીય સ્થિતિમાં કામ કરે છે, તેનો સમાજિક-આર્થિક સંદેશ બહુ પ્રભાવશાળી રીતે ફિલ્મમાં ચિત્રિત થયો હતો.


અમિતાભ એક ઈન્ટરવ્યુમાં કહે છે, “મેં મારા કામ દરમિયાન દુર્ઘટના પણ જોઈ હતી. મેં એમાં માણસોની વિચિત્ર ભાવ જોયા હતા. કોઈની છાતી પર પથ્થર હતો, તો કોઈનો હાથ દબાયેલો હતો અને જયારે મદદ આવી, ત્યારે જેની છાતી દબાયલી હતી તે કહેતો હતો કે, ઉનકો બચા લો, મેં તો બચને વાલા નહીં હું. આખું ગામ ખાણના મોઢા પાસે આવીને એકદમ ખામોશ થઈને ઉભુ રહેતું. કોઈ એક શબ્દ ના બોલે. એ અજીબ અનુભવ હતો, કારણ કે એક તરફ વિસ્ફોટ થતા હોય, અને બીજી તરફ આ ખામોશી. બધાને ખબર હતી મોત થવાનાં છે...એ લોકો રજીસ્ટરનાં પાનાં ઉથલાવીને તપાસતા કે કોના ઘરમાંથી કોણ અંદર છે.”

વર્ષો પછી, ૨૦૧૭માં, રાહુલ ધોળકિયાએ અમદાવાદના બુટલેગર-ડોન અબ્દુલ વહાબ લતીફ પર ફિલ્મ બનાવી, ત્યારે તેમણે લતીફને ગરીબોના બેલી તરીકે પેશ કરવા માટે ‘કાલા પથ્થર’નો સહારો લીધો હતો. રઈશ (શાહરુખ ખાન) અમદાવાદના ડ્રાઈવ-ઇન સિનેમામાં ‘કાલા પથ્થર’નું એ દ્રશ્ય જોતો હોય છે, જેમાં વિજય પાલ શેઠ ધનરાજ પૂરીનો ઉધડો લેતો હોય, અને ત્યારે જ એક મિલ માલિકને રઈસની કારની વિન્ડો પાસે લાવવામાં આવે છે અને રઇસ તેને ચીમકી આપે છે કે તે મિલ મજદૂરોના હક્કની કમાણી આપી દે. પડદા પર વિજય ધનરાજને કહેતો હોય છે, “યે કોયલે કી ખાન એક અજગર હૈ, જો રોજ અનગિનત મજદૂરો કો નીગલતા હૈ ઔર ઉન્હેં ચબાકે, પીસ કે, કુચલકે...ઉનકે જિસ્મો સે જિંદગી કા એક એક કતારા ચૂસકર...એક લાશ કી સૂરત મેં ઉન્હેં વાપસ ઉગલ દેતા હૈ.”


ફિલ્મમાં વિજય પાલ સિંહનું પાત્ર અંગ્રેજી ભાષાના મહાન નવલકથાકાર જોસેફ કોર્નાડ (૧૮૫૭-૧૯૨૪)ની ‘લોર્ડ જીમ’ (૧૯૦૦) નવલકથાના બ્રિટિશ નાવિક જીમ પરથી આવ્યું હતું. નવલકથામાં જીમ એક ડૂબતા જહાજને ત્યજીને ખુદ પાણીમાં કુદી પડે છે અને પછી તેને તેની આ કાયરતા માટે સાર્વજનિક રીતે અપરાધી ઠેરેવવામાં આવે છે. જીમ પછી તેની આ બેઈજ્જતીને ધોવા માટે પ્રયાસ કરે છે. ‘કાલા પથ્થર’ શિર્ષક જોસેફ કોર્નાડની બીજી એક નવલકથા ‘હાર્ટ ઓફ ડાર્કનેસ’ (૧૮૯૯) પરથી આવ્યું હતું. એમાં માર્લો નામના એક જહાજી કેપ્ટનના સાહસની વાર્તા હતી, જે લંડનથી શરુ કરીને કોન્ગો-આફ્રિકાના હાથીદાંતના એક વેપારીને મળવા જાય છે.

‘કાલા પથ્થર’ નો કલાઈમેક્સ હોલીવુડની લોકપ્રિય ડિઝાસ્ટર-ફિલ્મ ‘ટાવરિંગ ઇન્ફર્નો’ (૧૯૭૪) પરથી પ્રેરિત હતો, જેમાં ૧૩૮ માળની ઈમારતમાં ઉદ્ઘાટનના દિવસે જ પ્રચંડ આગ લાગે છે (આજ થીમ પરથી ૧૯૮૦માં બી.આર.ચોપરાએ દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડનારી ‘સુપર એક્સપ્રેસ’ ટ્રેનમાં ઉદ્ઘાટન દિવસે જ આગ લાગે છે). ‘કાલા પથ્થર’માં કલાઈમેક્સ ખાણોમાં પાણી ભરાઈ જાય છે, અને વિજય પાલ, મંગલ અને રવિ મલ્હોત્રા (શશી કપૂર) ખાણીયાઓને બચવવા અંદર ઉતરે છે.


‘કાલા પથ્થર’ આવી, તેના ૨૦ વર્ષ પહેલાં, આપણે જેમને કોમેડિયન તરીકે યાદ કરીએ છીએ, તે કોમ્યુનિસ્ટ બુદ્ધિજીવી ઉત્પલ દત્તે 'અંગાર’ (૧૯૫૯) નામનું નાટક બનાવેલું. કલકત્તામાં ભજવાયેલા આ નાટકમાં નીચે ખાણમાં ખાણિયાઓ જીવ ગુમાવી રહ્યા હોય, અને ઉપર જમીન પર રાજકારણીઓ અફલાતૂન નિવેદનો કરી રહ્યા હોય, એવું ક્લાઇમેક્સ દૃશ્ય હતું. આ નાટક સત્ય કથા પર હતું. કલકત્તાના આસનસોલમાં બેંગાલ કોલ કંપની લિમિટેડની ચીનાકુરી ખાણમાં ૨૨ ફેબ્રુઆરી ૧૯પ૮ના રોજ વિસ્ફોટ સાથે આગ લાગેલી જેમાં ૧૮૨ ખાણિયાઓ મરી ગયેલા.

આ દુર્ઘટનાના હૃદયદ્રાવક અહેવાલો, તે વખતે મુંબઈથી પ્રગટ થતા રુસ્તમજી ખુરશેદજી કરંજિયાના મારફાડ 'બ્લીટ્ઝ’ સપ્તાહિકમાં આવતા હતા, અને તેના પરથી આખા દેશનું ધ્યાન ખાણમાં કામદારોના શોષણ તરફ ખેંચાયેલું. આ અહેવાલો વાંચીને ઉત્પલ દત્તનો સામ્યવાદી આત્મા કકળી ઊઠેલો, અને એમાંથી એમણે 'અંગાર’ની પટકથા લખેલી. અમિતાભે આ નાટક જોયું હતું. એક ઇન્ટરવ્યુમાં કહે છે, “હું યુનિવર્સીટીમાં હતો, ત્યારે ઉત્પલનું ‘અંગાર’ જોવાનો મોકો મળેલો. એ નોંધપાત્ર નાટક હતું. તપન સિંહાના લાઈટનિંગના કારણે ખાણમાં પુર આવવાનું. દુર્ઘટના થવાનું દ્રશ્ય નોંધપાત્ર હતું.”

‘કાલા પથ્થર’ આ નાટકથી પ્રેરિત હતું? શક્ય છે, પણ અધિકૃત રીતે એવું કહેવાય છે કે, ‘કાલા પથ્થર’ ૧૯૭૫માં આજના જારખંડમાં ધનબાદ સ્થિત ચાસનાલા કોલસા ખાણ દુર્ઘટના આધારિત હતું. ૨૭ ડિસેમ્બર ૧૯૭૫ના રોજ ધડાકા સાથે એમાં પુર આવી ગયું હતું. ભારતની આ સૌથી મોટી ખાણ દુર્ઘટના હતી, જેમાં ૩૮૦ લોકો માર્યા ગયા હતા. શક્ય છે કે ‘અંગાર’ નાટક અને ધનબાદની ઘટના બંને ‘કાલા પથ્થર’ માટે પ્રેરણા બન્યા હોય.

એક આડ, પણ મહત્વની, વાત. 'બ્લીટ્ઝ’ સપ્તાહિક માટે ચીનાકુરી ખાણની દુર્ઘટનાનું રિપોર્ટિંગ, પહેલી ગુજરાતી મહિલા પત્રકાર વિદ્યા મુનશીએ કર્યું હતું. વિદ્યા મુનશી મુંબઈમાં જન્મેલાં, અને ૧૯૩૮માં ડોક્ટર બનવા લંડન ગયેલાં. ૧૯૪૨માં પાછા આવીને સીપીઆઇનાં કાર્યકર બની ગયાં અને કલકત્તાના ‘ધ સ્ટુડન્ટ’ નામની પત્રિકાના એડિટર સુનીલ મુનશીને પરણી ગયાં. વિદ્યાએ એ યાદ કરીને કહેલું, 'હું તો જન્મે ગુજરાતી, બંગાળી આવડે નહીં.’ ધ સ્ટુડન્ટમાં હું રિપોર્ટિંગ કરતી હતી. એવામાં 'ચાલાર પાથે’ નામના બંગાળી પત્રનું સંપાદન કરવાની જવાબદારી આવી. તંત્રીને ભાષા ન આવડતી હોય તે ચાલે? હું એમાં જ બંગાળી શીખી ગઇ.” તે 'બ્લીટ્ઝ’ સપ્તાહિક માટે કલકત્તાથી લખતાં હતાં, અને એમાં જ ચાસનાલા કોલસા ખાણ દુર્ઘટનાનું સાહસિક રિપોર્ટિંગ કર્યુ હતું, જે ઉત્પલ દત્તના ‘અંગાર’નો આધાર બન્યું. ૯૪ વર્ષની વયે, ૨૦૧૪માં કોલકોત્તામાં તેમનું અવસાન થયું.


43 views