• VNM TV

દાસ્તાન –એ –કેસર : Part -1 - By Dilip Kumar N MehtaIIM (A)નાપ્રો.અનિલ ગુપ્તા અને તાલાળાના ગફારભાઈ જ્યારે ઇતિહાસ સર્જે છે ! કેસર જેટલી પ્રિય છે એટલું જ આ કેરી વિષે લખવાનું પ્રિય છે. આ અગાઉ પણ મે કેસર વિષે ત્રણેક પોસ્ટ લખી છે. આંશિક પુનરાવર્તનઅને આંશિક સ્મૃતિ દોષ સાથે ફરી એક વાર આજે દાસ્તાન –એ –કેસર !


કબૂલ કે, જેને અસ્સલ( original)કેસર કહી શકાય એ કેસર મે જીવનમાં માત્ર એક વાર જ ધરાઇ ને ખાધેલી છે , પરંતુ , આજે પણ એની મીઠાશ જાણે મારી રગ રગમાં મહેકતી હોય એવું લાગ્યા કરે છે ! એ અનુભૂતિ જ શબ્દાતીત છે. આ વાત 1971 -72 ની છે. ત્યારે હજી અમારા ગામમાં વીજળી નહોતી આવી , પરંતુ ડિઝલથી ચાલતા ઓઇલ એન્જિન આવી ગયેલા જેણે સીંચાઈમાં ક્રાંતિ લાવી દીધેલી! એ વખતે અમારા સનવાવ ગામની વાડીઓમાં દેશી આંબાના અનેક ઝાડ હતા . ગામના પાદરમાં પણ ઘણા દેશી આંબા હતા . એ દેશી કેરી ની સોડમ પણ અદભૂત હતી ! કોઈના ઘરમાં એક કેસર કેરી સંતાડી ને રાખેલી હોય તો પણ એની સુગંધ ઘરની ચાર દીવાલ પાર કરીને બીજાના દ્વાર સુધી પહોંચી જાય ..બસ , આ જ કેસરની ઓળખ ! ગામમાં ઇબ્રાહિમભાઈ ટુકડી ને ત્યાં કેસર નો એક આંબો જોયેલો , અને એક આંબો નાથા ભાઈ આજુડિયા ની વાડીએ હતો. બસ, એ જ વર્ષોમાં અમારા વિસ્તારમાં સૌ પ્રથમ નાથાભાઇએ કલમી આંબા ની શરૂઆત કરેલી એ બરાબર યાદ છે .નાથા બાપા એ ક્યાથી શીખી આવ્યા હશે એ પણ એક પ્રશ્ન છે ! અમે એ આખીએ પ્રક્રિયા માથે ઊભા રહીને કુતુહુલ ભાવે જોયેલી ! કેસર કેરી તો ત્યારબાદ મને જોવામાં જ ન આવી અને એને બદલે ત્રણેક વર્ષબાદ પેલા કલમી આંબાની નાની ડાળે લટકતી મોટી સાઇઝ ની કેરી જોવા મળેલી ! આંબા નાનકડા , પણ ફળ મોટું ! ત્યારે નાથા ભાઈ અમારા સૌના ઘરે એ કેરી આપી ગયેલા. એ કેરીને પછી સૌ ‘આંબડી’ તરીકે ઓળખતા.

તેઓ આધુનિક ભારત ના મોડર્ન ઋષિ જ છે. ગફરભાઈની વાડીમાં તમને કાવસજીપટેલ , મલ્લિકા અર્જુન , જહાંગીરી પસંદ , દૂધ પેંડો, અમીર પસંદ, બાદશાહ પસંદ , દીલ પસંદ જેવી કેસર કેરીની અનેક વેરાઇટી મળે. હજારો કિલો મીટરનો પ્રવાસ કરીને ગફારભાઈએ આપણા વિવિધ રાજ્યો માથી કેરીની અનેક જાતો મેળવી, એની વાડીમાં એ છોડો ને રોફી એને ઉછેરી છે. એમાથી કલમો બનાવીને કેસર ની અનેક જાતો પણ ગફરભાઈ એ વિકસાવી છે. એમની પાસે અત્યારે જે કેરી ની વેરાઇટી છે તેના ઝાડ હવે નામ શેષ છે. અત્યારે મને અમારા ગામના બે દેશી આંબાનું સ્મરણ થાય છે. એક આંબો અમારા ગામના ખેડૂત જીવાભાઇ દાના વળું ના ખેતરમાં હતો . લગભગ પાંચ ઝાડ હતા , પરંતુ , એ કેરીની મીઠાશ જીવન ભર યાદ રહી ગયેલી છે ! બીજો આંબો નદી કિનારે હતો , અને એને અમે સાઈ નો આંબો કહેતા. એ આંબાની કેરી બહુ જ નાની , પરંતુ એની મીઠાશ અદભૂત ! ગફારભાઈ કહે છે હવે દેશી કેરી ની માંગ પણ વધી રહી છે. દેશી કેરી ના સ્વાદ જોડે તો કેસર પણ ન આવે હો ! ગફરભાઈ ની વાતો તો આપણે બીજા પાર્ટ માં કરીશું , પરંતુ , ગયા વર્ષે અમારા મિત્ર રાજુભાઇ પટેલ એના કોયલીના ખેતરમાં ઉભેળ દેશી આંબાની કેરી આપી ગયેલા એનો સ્વાદ કોઈ દિવસ ભૂલી શકાય તેમ નથી. એવું કહેવાય છે કે જૂનાગઢનાં વઝિરે ક્યાંક કેસર નું ઝાડ જોયેલું અને ત્યારબાદ એ આંબા એ પરદેશમાં ( જુનાગઢ ની આસપાસ ) ઉછેર્યા. ગફારભાઈના ઓરચાર્ડમાં આજે પણ 125 વર્ષ જૂનો એ આંબો ઊભો છે. ગફારભાઈની આંબાવાડી માં 70 થી 80 વર્ષ જૂના અનેક આંબા છે. અમારા સનવાવ ગામમાં માં અત્યારે કેટલા દેશી આંબા બચ્યા છે એની ખબર નથી , પરંતુ અમારા ગામની ફરતે અત્યારે તો કેસરના અદભૂત બગીચાઓ ઉભેલા છે! ઉનાની કેસર કેરી અત્યારે પરદેશ પહોંચી છે. નવાબંદર થી કાર્ગો માં કેરીનાં બોક્સ હવે તો પોર્ટુગલ અને યુરોપના અનેક દેશોમાં પહોંચે છે. તાલાળા થી નજીક રમલેચી ગામમાં આવેલ ગફાર ભાઈના આંબા વાડિયામાં અત્યારે 2500 આંબા ઊભા છે જેમાં 500 વેરાઇટીઝ છે . ગીરના કેસરી સિંહ ને મળો ત્યારે ગફાર નામના આ 'કેસર મેન' ને પણ મળવા જેવુ છે. હવે પછી ‘દાસ્તાન- એ –ગફાર” ( અપૂર્ણ)